કોસંબાની ચાર યુવતીઍ ઘરેથી શરૂ કરેલું હેન્ડીક્રાફટ બેંગ્લસનું સ્ટાર્ટઅપ મોટા બિઝનેસમાં પરિણમ્યું
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ તાલુકાના કોસંબા ગામની ચાર યુવતીઍ કોરોનાકાળમાં લોકડાઉન વખતે શોખથી હેન્ડીક્રાફટ બેંગ્લસ બનાવવાનું ચાલુ કર્યુ હતું. હાથ બનાવટની આ કલા લોકો સુધી પહોંચે તે માટે રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વાયરલ થઈ હતી અને હેન્ડી ક્રાફટ બેંગ્લસની ડિમાન્ડ વધતા નાના પાયે શોખથી શરૂ કરેલું નાનું કામ આજે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે, સાથે જ ગામની યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી ઘર આંગણે રોજગારી આપનારૂ મુખ્ય કેન્દ્ર પણ બન્યું છે. કોસંબાની આ ચાર યુવતીઍ સાબિત કર્યું કે, જો ઈચ્છાશક્તિ, મહેનત અને નવીન વિચાર હોય તો નાનકડો શોખ પણ મોટી સફળતામાં બદલાઈ શકે છે. આજે તા.૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. કોરોના મહામારી દરમિયાન મોટા ભાગના લોકો માટે રોજગાર અને જીવનજરૂરી બાબતો મેળવવી મુશ્કેલ બની હતી. ત્યારે વલસાડના કોસંબા ગામમાં રહેતી અને બીસીઍની ડિગ્રી ધરાવતી ખુશ્બુ ટંડેલે કોરોના કાળમાં શોખથી શરૂ કરેલુ કામ આજે કેવી રીતે કરોડો રૂપિયાના બિઝનેસમાં પરિવર્તિત થયું તેની કહાની તેમના દ્વારા જ જાણીઍ. નાના ગામને ગ્લોબલ સુધીની ઓળખ આપનાર ખુશ્બુ ટંડેલ જણાવે છે કે, મને નાનપણથી જ હેન્ડીક્રાફટનો ખૂબ જ શોખ હતો, જેથી લોકડાઉનમાં ઘર બેઠા હેન્ડીક્રાફટ બેંગ્લસ, નેકલેસ અને ઈયરીંગ્સ બનાવવાનું ચાલુ કર્યુ હતુ અને હાથ બનાવટની કલાને પ્રોત્સાહિત કરવા રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જે વાયરલ થતા આડ્ઢર્યજનક રીતે હેન્ડીક્રાફટ બેંગ્લસની ખૂબ જ ડિમાન્ડ આવવા લાગી. ત્યારબાદ ૨૦૨૧માં તિથલ રોડ પર લોહાણા સમાજના હોલમાં ઍક્ઝિબીશન રાખવામાં આવ્યું, જેમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળતા હાથે બનાવેલી અમારી બેંગ્લસની ડિઝાઇન અને ગુણવત્તા લોકોને ખૂબ જ પસંદ પડી હતી. ત્યારબાદ ગામમાં જ શોપિંગ કોમ્પ્લેક્ષ ભાડે લઈ ઘરેથી શરૂ કરેલી આ સફર મોટા બિઝનેસમાં પરિણમી હતી. જાત જાતની અને ભાત ભાતની બેંગલ્સની વેરાઈટીઝ અંગે ઍમ.ટેક થયેલી અંજલી વાડીવાલા કહે છે કે, રિવર ઓફ ઈન્ડિયા થીમ આધારિત બનાવેલી બેંગ્લસ મહિલા અને યુવતીઓને ખૂબ જ પસંદ આવી હતી ત્યારબાદ કુદરતી ફલાવર્સ, મિક્સ મેચ અને હાલની ઞ્ફૂઁ- ક્ષ્ પેઢીને ધ્યાનમાં રાખીને તેઓની ચોઈસ મુજબ ડેનિમ બેંગ્લસનું પણ કલેકશન બનાવ્યુ છે. આ સિવાય આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમી પટોળા, મીરર વર્ક અને બાંધણીને ધ્યાનમાં રાખી તે મુજબની બેંગ્લસ પણ બનાવી છે. લોકો સુધી હેન્ડીક્રાફટની પ્રોડકટ પહોંચાડવા માટે મોટી બ્રાન્ડ ગણાતા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચાણ કરવાનું ચાલુ કરતા આજે ભારતના ખૂણે ખૂણે તાશા ક્રાફટની બંગડી સપ્લાય થાય છે. આ સિવાય અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ ઓર્ડર આવે છે. મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત આપતા ઍમ.બી.ઍ. ફાઈનાન્સ થયેલી અંજલી ટંડેલ જણાવે છે કે, આજે દરેકને સરકારી નોકરી મળવી મુશ્કેલ છે, જેથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી પોતે પણ આર્થિક રીતે પગભર બની શકે છે અને સાથે અન્યોને પણ રોજગારી આપી શકે છે. ખૂશ્બુ ટંડેલે પોતાની દીકરી તાશાના નામથી શરૂ કરેલી આ સફરમાં ધીમે ધીમે હું અને અંજલિ વાડીવાલા તેમજ અંતિકા ટંડેલ પણ જોડાઈ હતી. વર્ષે રૂ.૨.૨૫ કરોડનું ટર્ન ઓવર કરતો આ સ્ટાર્ટઅપ બિઝનેસ અમે ૮ મહિલા મેમ્બરની કોર ટીમ ચલાવી રહી છે અને સાથે ૧૫૦ યુવતીઓને ઘર આંગણે રોજગારી આપી સ્ત્રી સશક્તિરણનું દ્રષ્ટાંત પુરૂ પાડ્યુ છે. આગામી પાંચ વર્ષમાં તાશા ક્રાફટમાં ૧૨૦૦ મહિલાઓને રોજગારી મળી શકે અને ૧૦૦ કરોડનું ટર્ન ઓવર કરતા થાય ઍવી કંપની બનાવવાનું વિઝન છે. બી.ઍસ.સી. થયેલી અંતિકા ટંડેલ કહે છે કે, શૂન્યથી શરૂ થયેલી આ સફરને શિખર સુધી પહોંચાડવા માટે અમારા બિઝનેસને વધુ ઊચાંઈઍ લઈ જવા કોટેજ ફેક્ટરી શરૂ કરવાનું આયોજન છે. અમારી આ સફળતાની ગાથામાં અમારા પરિવારજનોના સહકાર અને મદદના કારણે જ અમે અહી સુધી પહોંચી શક્યા છે. સોની ટીવી પર પ્રસારિત શાર્ક ટેન્કમાં પણ અમે જઈ આવ્યા છે અને અમારી સફળતાની કહાની દુનિયા સમક્ષ રજૂ કરી છે. આમ, નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી આ ચાર યુવતીની મહેનત અને સફળતાની કહાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘વોકલ ફોર લોકલ’’ના મંત્રને ચરિતાર્થ કરી અનેક લોકોને પ્રેરણા આપે છે.
