ધરમપુરમાં ‘વાચિકમ્’ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૮ ઃ વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાઍ ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી અને ‘સાહિત્ય પ્રભાત’ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ‘વાચિકમ્’ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ડૉ. વિજયભાઈ ઇટાલિયા, પ્રમુખ મયંકભાઈ મોદી તેમજ સભ્ય સમીપ રાંચ સહિત અન્ય આગેવાનો હાજર રહ્ના હતાં. ત્યારબાદ કલાકારોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સાહિત્યની જાણીતી વાર્તાઓનું અભિવ્યક્તિમય વાચન રજૂ થયું હતું. જેમાં ‘ડેલી’, ‘ગોદડી’, ‘સવા ત્રણની બસ’, ‘લોહીની સગાઈ’ અને ‘અંધારી ગલીઓમાં સફેદ ટપકાં’ જેવી કૃતિઓનો સમાવેશ થયો હતો. ધ્વનિ ત્રિવેદી, બિનિતા શાહ, રંજનાબેન પટેલ, કેશા દેસાઈ અને હૃદી દેસાઈ દ્વારા રજૂ કરાયેલ સ્ત્રીકેન્દ્રિત વાર્તાઓ અને કવિતાઓઍ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
કાર્યક્રમનું દિગ્દર્શન વૈભવ મુકેશ દેસાઈઍ કર્યું હતું. જ્યારે સંગીત સંચાલન યશ ઉપાધ્યાયે સંભાળ્યું હતું. અંતે લાઇબ્રેરી સમિતિના ચેરમેન દીપમાલાબેન ચોનકર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ અનોખા સાહિત્યિક કાર્યક્રમને નગરજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
