Damanganga Times.

Damanganga Times.

March 09, 2026

મોટીઢોલ ડુંગરી પ્રા. શાળાના વિદ્યાર્થીઓ માટે ‘પ્રકૃતિ અભ્યાસ યાત્રા’ યોજાઈ

મોટીઢોલ ડુંગરી પ્રા. શાળાના વિદ્યાર્થીઓ માટે ‘પ્રકૃતિ અભ્યાસ યાત્રા’ યોજાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૮ ઃ ધરમપુર તાલુકાની મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વન વિભાગ દ્વારા પ્રકૃતિના ખોળે ઍક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. ફોરેસ્ટર શક્તિસિંહ ચાવડા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ખટાણા ગામ નજીક આવેલા ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા ડુંગર પર ટ્રેકિંગ યોજાયું હતું. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને ડુંગર પર કરવામાં આવેલા વૃક્ષારોપણ વિશે તેમજ વૃક્ષોના મહત્વ અંગે સરળ અને સમજણભરી માહિતી આપવામાં આવી હતી, જેના કારણે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ બાદ વિદ્યાર્થીઓને રાજપુરી ગામ ખાતે આવેલી વન વિભાગની નર્સરીની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોની સંભાળ, તેમના પર્યાવરણમાં મહત્વ અને ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ માટે સ્નેહપૂર્વક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પોતાના ઘર આસપાસ વધુમાં વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આનંદ સાથે પ્રકૃતિ અને પર્યાવરણ વિશે મહત્વપૂર્ણ જાણકારી મળી હતી. શાળા પરિવાર દ્વારા ફોરેસ્ટર શક્તિસિંહ ચાવડા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.