Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

લાકડમાળથી નાનીવહિયાળ મુખ્ય માર્ગનું રિપેરીંગ કામ શરૂ

લાકડમાળથી નાનીવહિયાળ મુખ્ય માર્ગનું રિપેરીંગ કામ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા–ધરમપુર માર્ગ પર આવેલા નેશનલ હાઈવે–૫૬ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લાકડમાળથી નાનીવાહિયાળ અને પાર નદી બોર્ડર સુધીના માર્ગ પર ત્રણ જેટલા મોટા અને જોખમી ખાડાઓ પડતા વાહનચાલકો માટે મુસાફરી જોખમી બની ગઈ હતી.

આ માર્ગ નાનાપોઢા, વાપી અને ધરમપુરને નાસિક સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સૈંકડો વાહનો અહીંથી પસાર થાય છે. વિદ્યાર્થીઓ, કામદારો, વેપારીઓ તેમજ ગ્રામજનો માટે આ રસ્તો જીવનદોરી સમાન છે. પરંતુ ઊંડા ખાડાઓને કારણે ખાસ કરીને બાઈક સવારો માટે અકસ્માતનું જોખમ વધી ગયું હતું.

સ્થાનિક લોકો દ્વારા આ મુદ્દે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.

નાનીવહિયાળના માજી સરપંચ દિલીપભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોઍ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો સાંજે ૪ વાગ્યા સુધીમાં ખાડાઓની મરામત નહીં કરવામાં આવે તો હાઈવે પર ઉતરી ‘રસ્તા રોકો’ આંદોલન કરવામાં આવશે. આ ચીમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર્ગ પર ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલમાં મરામતનું કામ શરૂ થતા વાહનચાલકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્ના છે.