વણગામમાં દીપડાઍ હુમલો કરતાં ૧૦ બકરાંના મોત
- byDamanganga Times
- 07 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૬ ઃ ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં વણગામ ગામના આહીરવાસમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. શુક્રવારે વહેલી સવારે દીપડાઍ પશુપાલકના ઘર લગોલગ બકરાંની વાયણીમાં હુમલો કરતા ૧૧ બકરાંનો શિકાર કર્યો હતો. જેમાં ૧૦ બકરાંના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે ઍક બકરો ગંભીર રીતે ઘાયલ હાલતમાં છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ બીલીમોરા કોસ્ટલ હાઇવે નજીક વણગામ આહીરવાસમાં રહેતા પશુપાલક સુરેશભાઈ જોગીભાઈ આહીરે પોતાના પાલતું બકરાં માટે શેડમાં વાયણી બનાવી હતી, જ્યાં રોજ રાત્રે બકરાં રાખવામાં આવતા હતા. શુક્રવારે વહેલી સવારે દીપડો વાયણીમાં ઘૂસી ગયો હતો અને ઍક બાદ ઍક બકરાં પર હુમલો કર્યો હતો. ભારે હાહાકાર વચ્ચે દીપડાઍ ૧૧ બકરાંને નિશાન બનાવ્યા હતા. જેને પગલે પશુપાલક ને લાખો રૂપિયા ની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પશુપાલકઍ ગણદેવી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દીપડાને પકડવા માટે મૃત બકરાંનું મારણ મૂકી પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વણગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાના વધતા આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
