Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવી તા.પં.નું બજેટ મંજુર ઃ વિકાસની હરણફાળ ભરાશે

ગણદેવી તા.પં.નું બજેટ મંજુર ઃ વિકાસની હરણફાળ ભરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૫  ઃ ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરુવાર બપોરે તલીયારા અંબિકાનદી કાંઠે નીલમ ફાર્મ માં મળી હતી જેમાં ઍજન્ડા ઉપરના પાંચ કામો ને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, કારોબારી ચેરમેન વિનોદ પટેલ, ઉપપ્રમુખ નીતાબેન દેસાઈ ઍ આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું રૂ.૪૪,૪૩,૬૦,૨૧૧ ની પુરાંત વાળું રૂ.૧૦૧,૪૯,૫૦,૦૦૦ નું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેને સભાસદો ઍ સર્વાનુમતે મંજુર કર્યું હતું.

ગણદેવી તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરુવાર બપોરે પ્રમુખ પ્રશાંત શાહ ની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગત સભા ની કાર્યવાહી ને સર્વાનુમતે મંજુર કરાઈ હતી. તાલુકા પંચાયત હસ્તક ની ગણદેવી જૂની કન્યા શાળાના જર્જરીત મકાન ને આ સાહમાં ઉતારી લેવાશે. તાલુકા વિકાસ અધિકારી કવાટર બનાવવા મંજૂરી અપાઈ હતી. તાલુકા હસ્તકની બીલીમોરા શાહ કેસરીચંદ ભાણાભાઈ કન્યા શાળા શોપિંગ સેન્ટરનાં બાકી વેરા માંગણા અને બાકી વેરો ન ભરનાર ને દુકાન ખાલી કરવા નોટિસ આપવા સર્વાનુમતે બહાલી અપાઈ હતી. નાઈટ વોચમેનનું મહેનતાણું વધારવા અંગે ચર્ચા કરાઈ હતી. જે બાદ વર્ષ ૨૦૨૬-૨૭ નું વાર્ષિક અંદાજપત્ર રજુ કર્યું હતું. રૂ.૧૦૧,૪૯,૫૦,૦૦૦ નાં બજેટમાં રૂ. ૯૫,૭૦,૫૮,૦૦૦ નાં ખર્ચ સાથે રૂ. ૪૪,૪૩,૬૦,૨૧૧ની પુરાંત દર્શાવી હતી. બજેટ માં તાલુકા પંચાયત સ્વકીય ભંડોળ ની આવક રૂ.૨.૧૯ કરોડ અંદાજવામાં આવી છે. શિક્ષણ અને બાળવિકાસ માટે ૭.૫૦લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.૪૬.૮૯ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૭.૫૦ લાખ,  રૂ. ૨૫ હજાર કૃષિ મહોત્સવ અને ખેડૂત પ્રેરણા પ્રવાસ માટે રૂ.૩૨ હજાર માટે ફાળવણી કરાઈ હતી.

આગામી વર્ષમાં રૂ.૧૦૧,૪૯,૫૦,૦૦૦ આવક અંદાજવા માં આવી છે. રૂ.૯૮,૦૮,૫૦,૦૦૦ સરકારી નીતિ નિયમ મુજબ સૂચિત સરકારી અનુદાન, આયોજન મંડળનાં ફંડ, સંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્ય અનુદાનો તેમજ તાલુકા ટીમનાં સંયુક્ત પ્રયત્નો થકી તાલુકાનો સમતોલ વિકાસ થાય તે રીતે આયોજન કરાયું હોવાનું સભામાં જણાવાયું હતું. આમ, સભામાં અંદાજપત્રને ઉમેળકાભેર વધાવી સર્વાનુંમતે મંજુર કરાયું હતું. આ બજેટ સમાજના નબળા વર્ગના ઉત્થાન અને તાલુકાના વિકાસ નાં કામોને લક્ષમાં રાખી તૈયાર કરાયું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈ, ઍટીડીઓ કેતન પટેલ, બજેટ તૈયાર કરનાર નાયબ હિસાબનીશ મેહુલ ગોસાઈ, તથા તાલુકા પંચાયતનાં અધિકારી, કર્મચારીગણ, તા.પં.નાં ૨૪ પૈકી ૧૮ સભ્યો હાજર રહ્ના હતાં. તેમણે ઉપરોક્ત અંદાજપત્ર નબળા વર્ગનાં ઉત્થાન અને તાલુકાની વિકાસ યાત્રાને વેગ આપશે ઍવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.