સેલવાસ પંથકમાં આસ્થા અને ઉમંગ સાથે હોલિકા દહન કરાયું
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૩ ઃ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં હોળી પર્વ નિમિત્તે પરંપરાગત વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું. ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોલિકા માતાની પૂજા-અર્ચના કરી સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
સિલવાસાના સરસ્વતી ચોક નજીક તેમજ કાપડી સમાજ દ્વારા સાઈ મંદિર પાસે હોલિકા દહન યોજાયું. આ ઉપરાંત આમલી, કિલવણી નાકા, ભસ્તા ફળિયા, બહુમાળી, રાધાકૃષ્ણ સોસાયટી ટોકરખાડા સહિત વિસ્તારોમાં પણ શ્રદ્ધાભાવે વિધિઓ સંપન્ન થઈ.
નરોલી ગામે ભવાણી મંદિર પાસે તેમજ દાદરાના વિવિધ વિસ્તારોમાં લોકોઍ હોલિકાની પરિક્રમા કરી ધાણી, ઘઉંના મોર અને કાચા કેરીના મોરવા અર્પણ કર્યા. મહિલાઓ અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
હોલિકા દહન બુરાઈ ઉપર સદાચારની જીતનું પ્રતિક માનવામાં આવે છે. આ અવસરે સમાજમાં ઍકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસર્યો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો.
