વાપી પંથકમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૩ ઃ વાપી પંથકમાં હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોઍ ઉપસ્થિત રહી પરંપરાગત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી હતી.
વાપી શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે તારીખ ૨ ૩ ૨૦૨૬ ને સોમવારના સાંજ પડતા જ વિવિધ સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને ગામડાઓમાં હોળીકા દહન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વાપીના હનુમાનજી મંદિર ત્રણ રસ્તા વાપી મુખ્ય બજારમાં આવેલ ઝંડા ચોક તેમજ ગોદાલ નગર મુખ્ય ગેટ પાસે તેમજ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા ગામડાઓમાં પોત પોતાના ફળિયામાં તેમજ જ્યાં વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે તે સ્થળે લોકો દ્વારા લાકડાં, ઉપલા અને અન્ય સામગ્રી ઍકત્રિત કરી વિધિપૂર્વક હોળી પ્રગટાવવામાં આવી હતી. મહિલાઓઍ પરંપરાગત વસ્ત્રોમાં પૂજન કરી પરિવારના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. બાળકો અને યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન-કીર્તન તેમજ લોકગીતોના કાર્યક્રમો યોજાતા માહોલ ભક્તિમય અને આનંદમય બની ગયો હતો. હોળીકા દહન બાદ લોકોઍ ઍકબીજાને અભિનંદન આપ્યા હતા.
