Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવી કોર્ટમાં ચુકાદા પૂર્વે જ આરોપીનું હાર્ટઍટેકથી મોત

ગણદેવી કોર્ટમાં ચુકાદા પૂર્વે જ આરોપીનું હાર્ટઍટેકથી મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૦૩ ઃ ગણદેવી નામદાર કોર્ટનાં પ્રથમ માળે મંગળવારે ઍક કરુણ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી હતી. કોર્ટની તારીખે હાજર રહેવા આવેલા ચીખલી તાલુકાના તલાવચોરા ગામના ૭૨ વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ દેવદત્તભાઈ દેસાઈનું અચાનક હાર્ટ ઍટેક આવતાં નિધન થયું હતું. કેસ વર્ષ ૨૦૧૮થી ચાલી રહ્ના હતો અને સંભાવતઃ આખરી ચુકાદા તરફ આગળ વધતો હતો.

મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના તલાવચોરા ગામે દેસાઈ ફળિયામાં રહેતા સુરેશભાઈ દેવદત્ત ભાઈ દેસાઈ વિરુદ્ધ વર્ષ ૨૦૧૮માં બીલીમોરાના પ્રભાતભાઈ મગનભાઈ દેસાઈઍ રૂ. ૫ લાખના લેવડદેવડ સંબંધિત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમયથી ચાલી રહેલો આ કેસ અંતિમ નિર્ણયની નજીક પહોંચ્યો હોવાનું જણાવાય છે. મંગળવારે કોર્ટમાં તારીખ હોવાથી સુરેશભાઈ દેસાઈ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી કોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેઓ કોર્ટના પ્રથમ માળે બાંકડા ઉપર બેઠેલા હતા. સાક્ષીઓના જણાવ્યા મુજબ, આશરે અગિયાર વાગ્યાના અરસામાં તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો તથા ખેંચ અનુભવાતાં બેભાન થયા હતા. તરત જ કોર્ટ પરિસરમાં હલચલ મચી ગઈ હતી. તત્કાળ ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા તેમને ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડો. નિરવ પટેલે પ્રાથમિક તપાસ બાદ હાર્ટ ઍટેકને કારણે તેમનું અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું. મૃતકની પૌત્રી રાજલબેન દર્શનભાઈ દેસાઈ (રહે. તલાવચોરા તા.ચીખલી) હોસ્પિટલ દોડી આવી હતી અને દાદાના નિધનના સમાચાર સાંભળતાં જ પરિવાર શોકમગ્ન બન્યો હતો. ગણદેવી પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઍક લાંબા સમયથી ચાલતા કાનૂની સંઘર્ષ વચ્ચે અચાનક થયેલી આ દુખદ ઘટના કોર્ટ પરિસરમાં હાજર સૌને વ્યથિત કરી ગઈ હતી.