Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

હોળી પર્વે નાનાપોઢામાં રૂ. ૬ કરોડથી વધુની બાઈક ખરીદી!

હોળી પર્વે નાનાપોઢામાં રૂ. ૬ કરોડથી વધુની બાઈક ખરીદી!


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ ) 

ચીવલ, તા.૦૨ વલસાડ જિલ્લાના નાનાપોઢા અને કપરાડા તાલુકામાં હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે વર્ષનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પર્વ ગણાય છે. પરંપરાગત રીતે ઉજવાતો આ તહેવાર માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે. હોળીના અવસરે અહીં રૂ. ૬ કરોડથી વધુની મોટરસાયકલ બાઈકની ખરીદી થતી હોવાનું વેપારીઓ જણાવી રહ્ના છે.

વર્ષ દરમિયાન રોજગારી માટે અન્ય શહેરો કે રાજ્યોમાં મજૂરી કામ કે નોકરી કરતા લોકો હોળીના પર્વે પોતાના વતન પરત ફરતા હોય છે. પરિવાર સાથે તહેવાર ઉજવવાની સાથે નવા વાહનની ખરીદી કરવી અહીં ઍક પરંપરા સમાન બની ગઈ છે.

નાનાપોઢાની પ્રખ્યાત અભિષેક ઍજન્સી નાનાપોઢાના સંચાલક અનિલભાઈ દવે જણાવે છે કે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ આદિવાસી વિસ્તારમાં હોળી દરમિયાન વાહનોની વધતી માંગ જોઈ રહ્ના છે. તેમના જણાવ્યા મુજબ દિવાળી કે નવરાત્રી કરતા હોળીના પાંચ દિવસ દરમિયાન ૫૦૦થી વધુ વાહનોનું વેચાણ થાય છે. સમગ્ર વર્ષમાં સૌથી વધુ વેચાણ પણ હોળીના સમયગાળામાં જ નોંધાય છે.

હોળી પર્વે નવા વાહન ખરીદીને લોકો તેને શુભ માનતા હોય છે. યુવાનોમાં ખાસ કરીને બાઈક પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે. પરિણામે નાનાપોઢા બજારમાં ઉત્સવમય માહોલ વચ્ચે શોરૂમોમાં ભારે ભીડ ઉમટી પડે છે.

આ રીતે હોળી પર્વ આદિવાસી સમાજ માટે સાંસ્કૃતિક સાથે આર્થિક પ્રગતિનો પણ પ્રતિક બની રહ્ના છે.