ખેરગામમાં ઍચપીવી રસીકરણ ઝુંબેશનો બહેજ આરોગ્ય કેન્દ્રથી પ્રારંભ કરાયો
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૦૨ ઃ ભારતની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઍક ક્રાંતિકારી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૪થી ૧૫ વર્ષની વયની કિશોરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે સમગ્ર દેશમાં વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ગુજરાતમાં પણ રસીકરણનો ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મંગળ પ્રારંભ શુક્રવાર તા.૨૮/૨ થી થયો છે.
ગુજરાત રાજ્યની આશરે ૫.૫ લાખ કિશોરીઓને આ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. આ રસીકરણ ઝુંબેશ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રો પર ચલાવવામાં આવશે જેનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારીઓ સામે પૂર્વ-તૈયારી કરી આરોગ્યપ્રદ સમાજનું નિર્માણ કરવું અને મહિલા સશક્તિકરણને વેગ આપવો. ઍચપીવી-પેપ્પીલોમા વાઇરસ રસીકરણ ઝુંબેશ ભારતમાં મહિલાઓ માં થતા કેન્સર માં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમનું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. જેના લાંબા સમય સુધી રક્ષણ માટે કિશોરીઓને રસીનો ઍક જ ડોઝ પુરતો છે. ઍચપીવી રસીકરણ અભિયાન ની શરૂઆત ખેરગામ તા.માં પ્રા.આ.કેન્દ્ર બહેજ ખાતે દિપ પ્રાગટ્ય-તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામના માજી સરપંચપતિ ધર્મેશ-ધર્મિષ્ઠા ભરુચાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રજ્ઞેશ દેસાઈ અને મેડિકલ ઓફિસર ડો.નિધી પટેલ દ્વારા આજના કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી અને ગર્ભાશય પ્રમુખના કેન્સર સામે રક્ષણ અપાવવા તાલુકાની ૧૪ થી ૧૫ વર્ષ ની તમામ કિશોરીઓને (૧૪ મો જન્મદિવસ ઉજવ્યો હોય પરંતુ ૧૫ મો જન્મદિન ઉજવ્યો નથી) આ વેક્સિન અપાવી તમામ વાલીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
