Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી જીઆઈડીસીમાં હોળીની અસર : કામદારો વતન ભણી

વાપી જીઆઈડીસીમાં હોળીની અસર : કામદારો વતન ભણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ હોળીના પર્વને આડે ગણતરીનો માત્ર ઍક દિવસ બાકી રહેતા જ વાપીની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા મજૂરોમાં વતન જવાની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગાર માટે આવેલા મજૂરો હોળીનો તહેવાર પોતાના પરિવારજનો સાથે જ ઉજવવાની પરંપરા જાળવી રાખતા હોવાથી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ખાનગી વાહન વ્યવસ્થાઓમાં ભીડ વધી ગઈ છે.
વાપી ટાઉન અને ગ્રામ્ય વિસ્તાર તેમજ જી.આઈ.ડી.સી. સહિતના ઉદ્યોગોમાં કાર્યરત મજૂરો વર્ષ દરમિયાન દિવાળી સહિતના અન્ય તહેવારો ઘણી વખત કામના સ્થળે જ સાદાઈથી ઉજવે છે, પરંતુ હોળીનો તહેવાર તેઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. રંગોનો આ પર્વ માત્ર ઉજવણી પૂરતો નહીં પરંતુ પરિવાર અને ગામ  સાથેના જોડાણનો અવસર પણ ગણાય છે. તેથી જ મોટા ભાગના મજૂરો હોળી પહેલા જ રજા લઈ પોતાના વતન તરફ રવાના થઈ રહ્ના છે.
ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોના મજૂરો ટ્રેન અને બસોમાં રિઝર્વેશન મેળવવા માટે દિવસો અગાઉથી જ પ્રયત્નશીલ રહ્ના હતાં. ઘણા મજૂરોને કન્ફર્મ ટિકિટ ન મળતાં જનરલ કોચમાં જ મુસાફરી કરવાની તૈયારી બતાવી છે. કેટલાક મજૂરો ખાનગી ટ્રાવેલ્સ અથવા શેરિંગ વાહનો દ્વારા પણ વતન તરફ રવાના થઈ રહ્ના છે.
તેવી જ રીતે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં વસતા લોકો પણ મોટી સંખ્યામાં વાપી પંથકમાંથી હોળીના તહેવારને ઉજવવા માટે પરિવાર સાથે વતનમાં પોતાના ખાનગી વહન કે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ઍસટી વિભાગની બસમાં સવાર થઈને જવા માટે તૈયાર જોવા મળ્યા હતાં.