શેરીમાળના ૯૫૬ મતદારોની અન્ય તા.પં. સીટમા દર્શાવતા પ્રાંત અધિકારીને રજૂઆત
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ શેરીમાળ ગામના રહેવાસીઓઍ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ધરમપુર સમક્ષ સંયુક્ત રજૂઆત કરી ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે.
રજુઆત અનુસાર, ગામના અંદાજે ૯૫૬ મતદારો હાલ બિલપુડી તાલુકા પંચાયત સીટમાં નોંધાયેલા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે હકીકતમાં શેરીમાળ ગામ બરુમાળ તાલુકા પંચાયત સીટના વિસ્તારમાં આવે છે. આ ગડબડને કારણે ગામના વિકાસ કાર્યો, ન્યાયસંગત પ્રતિનિધિત્વ અને લોકશાહી હકો પર સીધી અસર પડી રહી હોવાનું ગામજનોઍ જણાવ્યું છે.
રહેવાસીઓઍ માંગ કરી છે કે શેરીમાળ ગામના તમામ મતદારોની નોંધણી તાત્કાલિક બરુમાળ તાલુકા પંચાયત સીટમાં કરવામાં આવે, મતદાર યાદીમાં જરૂરી સુધારણા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે યોગ્ય માર્ગદર્શન તથા દેખરેખ રાખવામાં આવે.
ગામજનોઍ ચીમકી આપી છે કે જો આ ગંભીર મુદ્દાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવા મજબૂર બનશે.
