Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાપોંઢા–ધરમપુર ને. હા. નં. ૫૬ પર ખાડારાજથી વાહનચાલકો પરેશાન

નાનાપોંઢા–ધરમપુર ને. હા. નં. ૫૬ પર ખાડારાજથી વાહનચાલકો પરેશાન


 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૧ ઃ નાનાપોંઢાથી ધરમપુર તરફ જતાં ને.હાઈવે નંબર ૫૬ની હાલત અત્યંત બેહાલ બની ગઈ છે. સમગ્ર માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડતાં અનેક જગ્યાઍ રસ્તો જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો માટે આ માર્ગ પર સફર કરવી મુશ્કેલ અને જોખમી બની ગઈ છે.
ખાસ કરીને પાર નદીના પુલના બંને છેડા પર મોટા ખાડાઓ અને મસ દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે. પુલના સળિયા બહાર દેખાતા હોવાના અહેવાલો વચ્ચે અહીંથી પસાર થવું ઍટલે મોતને આમંત્રણ આપવું સમાન ગણાઈ રહ્નાં છે. ખાડાઓના કારણે રોજ સવાર-સાંજ ટ્રાફિક જામ સર્જાય છે, જેથી લોકોનો કિંમતી સમય બગડે છે.
ગોલ્ડન હોટલ, વહિયાળ ફાટક, કાકડકુવા અને બારોલીયા નજીક પણ ખાડાઓની ભરમાર છે. ભારે વાહનો ખાડામાં ફસાઈ ખોટકાઈ જવાના બનાવો બનતા રહે છે. ધૂળના ઉડાવવાના કારણે સામે આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે બાઈક સવારો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે.
રસ્તાની હાલતના કારણે બસમાં મુસાફરી કરતા નોકરિયાતો અને કામદારોને સમયસર પહોંચવા માટે વહેલી સવારથી જ નીકળવું પડે છે. ઇમરજન્સી દરમિયાન ૧૦૮ ઍમ્બ્યુલન્સને દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થતો હોવાના કારણે જીવને જોખમ ઉભું થયું છે. આ બેહાલ પરિસ્થિતિને કારણે કેટલાક વાહનચાલકો પાર નદીથી વાયા કુરગામ થઈને લગભગ પાંચ કિલોમીટરનો વધારાનો ચકરાવો કાપીને ધરમપુર પહોંચવા મજબૂર બન્યા છે. લોકોમાં હાઈવે ઓથોરિટી અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે.