Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઍકલારામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

ઍકલારામાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ ગુજરાત સાહિત્ય અકાદમી, આર. કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશનના તાલીમાર્થીઓ તથા આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય ધર્મેશભાઈ પટેલે હાજરી આપી હતી. તેમણે પોતાના ઉદબોધનમાં વર્તમાન સમયમાં માતૃભાષાનું મહત્વ અને તેની જાળવણી અંગે પ્રાસંગિક વિચાર રજૂ કર્યા હતા. મુખ્ય વક્તા તરીકે કોલેજના આચાર્યા પ્રિ. ડૉ. પ્રિતી ચૌહાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શિક્ષક દિપેન ભંડારીઍ ગુજરાતી સાહિત્યની સમૃદ્ધ પરંપરા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. વિમુખ પટેલ અને મયુર ટોકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બી.ઍડ. કોલેજના તાલીમાર્થીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, સમૂહગીત, નાટક અને પ્રશ્નોત્તરી જેવી રસપ્રદ રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો ઍનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના સંયોજક પ્રા. પિયુષ પટેલે સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે અલ્પાહાર સાથે ‘મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં’ પ્રવૃત્તિ દ્વારા કાર્યક્રમનું સમાપન થયું હતું.