ગણદેવીમાં છ દિવસીય સ્વદેશી મેળામાં ‘વોકલ ફોર લોકલ’ને વેગ મળશે
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૨૭ ઃ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશીના મંત્રને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે ગણદેવી નગરપાલિકા દ્વારા છ દિવસીય સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારથી શરૂ થયેલા આ મેળાનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ ભાવેશકુમાર પટેલ, ચીફ ઓફિસર પ્રાચી દોશી અને ઉપપ્રમુખ ભાનુબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ગણદેવી સુગર ફેક્ટરીના અધિકારીઓ,નગરજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. ગણદેવીના બંધારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેળો દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૧૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં સ્થાનિક કુશળ કારીગરો દ્વારા નિર્મિત વિવિધ ઉત્પાદનોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારની સાથે મનોરંજન માટે દરરોજ સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રશાસન દ્વારા તમામ નગરજનો અને આસપાસ વિસ્તારના લોકોને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક કલા-કૌશલ્યને પ્રોત્સાહિત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ પ્રસંગે ગણદેવી ભાજપ પ્રમુખ હાર્દિક વૈધ,ગણદેવી પાલિકાના નીરવ સગર,કેયુર વશી,ઈ.ચા. ઓફિસ આસિસ્ટન્ટ શૈલેષ પટેલ,અગ્રણી પરેશ અધ્વર્યુ, ગોપાળ ગોહિલ, ગણદેવી સુગર ફેક્ટરીના ઓઍસ મુકેશ પટેલ, આશાબેન ટેલર, ભાવેશ પટેલ,ઍસઆઈ ધ્રુમિલ પટેલ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
