બીલીમોરામાં ‘કરુણા ઍમ્બ્યુલન્સ’ ફાળવવા મંત્રી નરેશ પટેલને રજૂઆત
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃ બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રઝળતા પશુઓ અને અકસ્માતનો ભોગ બનતા ગૌવંશની ત્વરિત સારવાર માટે કરુણા ઍમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા માટે પાલિકા પ્રમુખ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.બીલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર રઝળતા ગૌવંશ ને કારણે વારંવાર માર્ગ અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોમાં માત્ર જનતાના જાન-માલને નુકસાન નથી થતું, પરંતુ અનેક નિર્દોષ પશુઓ ઈજાગ્રસ્ત થાય છે અથવા કરુણ મોતને ભેટે છે.ગુજરાત સરકાર દ્વારા પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા ઍમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે,પરંતુ બીલીમોરા વિસ્તારમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે સ્થાનિક નાગરિકો હેલ્પલાઇન પર સંપર્ક કરે છે, ત્યારે સેવા ઉપલબ્ધ ન હોવાનો નકારાત્મક જવાબ મળે છે.બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષકુમાર પટેલ દ્વારા ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશભાઈ પટેલને પત્ર લખીને આ બાબતે અંગત રસ લઈ વહેલી તકે ઍમ્બ્યુલન્સની ફાળવણી કરવા વિનંતી કરવામાં આવી છે. આ સેવા શરૂ થવાથી ઇજાગ્રસ્ત પશુઓને સ્થળ પર જ સારવાર મળી શકશે અને પશુ પ્રેમીઓની લાંબા સમયની માંગ સંતોષાશે.
