દાનહમાં આજથી દ્વિદિવસીય રોજગાર મેળો
- byDamanganga Times
- 24 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૩ ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જિલ્લામાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ નોકરી શોધતા ઉમેદવારોને રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો અને નિયોજકો તથા ઉમેદવારો વચ્ચે સીધો સંવાદ પ્રોત્સાહિત કરવાનો છે.
રોજગાર મેળો ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જૂના પ્રાથમિક શાળા, પોલીસ સ્ટેશન પાસે, ખાનવેલ ચાર રસ્તા, ખાનવેલ ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. જ્યારે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પંચાયત હોલ, સામરવર્ણી, સિલવાસા ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે.
જિલ્લાના લાયક ઉમેદવારોને આ અવસરનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ઉમેદવારો પોતાના સાથે બાયોડેટાની નકલો, શૈક્ષણિક પ્રમાણપત્રો, માન્ય ઓળખપત્ર તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ ફરજિયાત લાવવાના રહેશે.આ રોજગાર મેળામાં વિવિધ ઔદ્યોગિક ઍકમો અને કંપનીઓ ભાગ લેશે અને વિવિધ પદો માટે લાયક ઉમેદવારોની ભરતી કરશે. પ્રશાસને યુવાઓને મોટી સંખ્યામાં હાજરી આપી આ સુવર્ણ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
