દાનહ સ્વૈચ્છિક બંધ રહેતા સાંસદ કચેરીઍ જનતાનો આભાર માન્યો
- byDamanganga Times
- 23 February, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
સેલવાસા, તા. ૨૨ ઃ દાદરા અને નગર હવેલી સ્થાનિક સમાજ ઍકતા મંચના આહ્વાન પર શનિવારે વિસ્તારમાં વ્યાપક બંધનો પ્રભાવ જોવા મળ્યો. વેપારી સંગઠનોના અંદાજ મુજબ આશરે ૯૫ ટકા દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રહી. હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ વિતરણ સહિતની આવશ્યક સેવાઓ યથાવત રાખવામાં આવી હતી. સમગ્ર બંધ શાંતિપૂર્ણ રહ્ના હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ દરમિયાન યોજાનારી રેલી રદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પોસ્ટ મારફતે માહિતી પ્રસરી હતી કે દાદરા અને નગર હવેલી કોંગ્રેસ પ્રમુખને વહેલી સવારે અંદાજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી પોલીસ દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યા હતા. તેમના કેટલાક સાથીદારોને પણ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચા હતી. જોકે, આ મામલે સત્તાવાર પુષ્ટિ અંગે સ્પષ્ટતા મોડીરાત સુધી મળી નહોતી. આ વચ્ચે, તારીખ ૨૨/૦૨/૨૦૨૬ના રોજ સાંસદ કચેરી, દાદરા અને નગર હવેલી દ્વારા જાહેર કરાયેલા પત્રમાં બંધને સફળ બનાવવામાં સહયોગ આપનાર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે ૨૧/૦૨/૨૦૨૬ના રોજ બહેન-બેટીઓની સુરક્ષા મુદ્દે સ્વૈચ્છિક અને શાંતિપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેને સિલવાસાથી લઈ ગામડાં સુધી વ્યાપક સમર્થન મળ્યું. ખાસ કરીને વેપારીઓઍ પોતાની દુકાનો બંધ રાખીને ઍકતા દર્શાવી હતી.સાંસદ કચેરીઍ જણાવ્યું છે કે સંકટની ઘડીમાં ડેલકર પરિવાર સાથે ઉભા રહેવા બદલ સમગ્ર જનતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.
આ રીતે બંધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા નિયંત્રણમાં રહી હતી.
