ધરમપુરમાં શિવાજી જયંતિ ઉજવાઈ
- byDamanganga Times
- 21 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર નગર ખાતે અખંડ ભારતના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લ્પ્ખ્ભ્ ફાઉન્ડેશનના કો-ઓર્ડિનેટર અક્ષયભાઈ પાટીલ દ્વારા ગૌરવપૂર્ણ ‘શિવ ગર્જના’ સાથે મહારાજના જીવનચરિત્ર અને તેમના પરાક્રમની મનમોહક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. તેમણે મહારાજ દ્વારા હિન્દુ ધર્મના રક્ષણ માટે કરવામાં આવેલા ઐતિહાસિક કાર્યો તેમજ તેમના કિલ્લાઓના વ્યૂહાત્મક મહત્વ અંગે ઉપસ્થિત નગરજનોને વિસ્તૃત માહિતી આપી હતી.
શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના આદર્શો તથા રાષ્ટ્રભક્તિની ભાવના યુવા પેઢીમાં જાગૃત થાય તેવા ઉમદા હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં ધરમપુરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાજને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા, પાલિકાના ઉપપ્રમુખ ઉમાબેન ભોયા, સહકારી ક્ષેત્રના અગ્રણી જીવાભાઈ આહીર, ધનેશભાઈ ચૌધરી, પૂર્વ શહેર પ્રમુખ પ્રણવ શિંદે, જયેશભાઈ દળવી, વિશ્વ હિન્દુ પરિષદના કૃણાલ કંસારા, કમલેશભાઈ ચોનકર, ભાજપ શહેર મંત્રી જીગ્નેશ કાપડિયા, અક્ષય ચૌધરી, નગરના અગ્રણી ભાવુભાઈ શિંદે, સ્વપ્નિલ મોહિલે સહિત હિન્દુ સંગઠનના સભ્યો, પાલિકાના કોર્પોરેટરો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
