Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામ પાલિકા દ્વારા ગાંધીવાડી મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ઉમરગામ પાલિકા દ્વારા ગાંધીવાડી મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ  ઉમરગામ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગાંધીવાડી મુખ્ય બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉમરગામ શહેરમાં આશરે ૩૫,૦૦૦થી વધુ વસ્તી વસે છે. જેમાં સૌથી વધુ વસ્તી વોર્ડ નંબર ૬ વિસ્તારમાં રહે છે. ઉમરગામ ટાઉન સ્ટેશનના મુખ્ય માર્ગ પર આવેલ ગાંધીવાડી બજાર વિસ્તારમાં છૂટક વેપારીઓ દ્વારા પાથરણા પાથરીને વેપાર કરવામાં આવતો હતો. જેના કારણે રસ્તા પર અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વારંવાર મળતી ફરિયાદોના આધારે નગરપાલિકા તંત્રઍ મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉમરગામ પોલીસ મથક ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્ના હતાં. મુખ્ય માર્ગ પરથી દબાણ દૂર કર્યા બાદ નગરપાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલ સ્થળે શાકભાજી તેમજ અન્ય વિક્રેતાઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દબાણને કારણે ખાસ કરીને સાંજના સમયે ટાઉન સ્ટેશન રોડ પર વાહનોને ગોકળગાયની ગતિઍ પસાર થવું પડતું હતું. હવે દબાણ દૂર થતાં વાહનચાલકોને થતી રોજિંદી મુશ્કેલીઓમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.