વાપીમાં ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ કપ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૮ ઃ વાપી ખાતે આવેલા જી.ઍમ. બિલખીયા સ્ટેડિયમમાં ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને ઓમકાર અંધજન સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાંથી કુલ છ ટીમોઍ ભાગ લીધો હતો. ફાઈનલ મુકાબલામાં રાણીપ ઈલેવન દ્વારા આપવામાં આવેલા ૧૨૪ રનના લક્ષ્યાંકને વસ્ત્રાપુર અમદાવાદની ટીમે ૧૪મી ઓવરમાં પાર કરી ચેમ્પિયનશિપ જીતી લીધી. ફાઈનલમાં વસ્ત્રાપુરની મીનાઍ - ૪૪ રનની શાનદાર ઈનિંગ્સ રમી વુમન ઓફ ધ મેચ બની હતી.
ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ મેચોમાં ચેતના, તકુ, શ્રૃતિ, કૌશલ, કલ્પના અને સુનંદાઍ ઉત્તમ પ્રદર્શન કરી વુમન ઓફ ધ મેચના ખિતાબ મેળવ્યા હતાં. સમગ્ર સિરીઝમાં ૧૧૫ રન સાથે કૌશલ વુમન ઓફ ધ સિરીઝ રહી હતી.
વિજેતા વસ્ત્રાપુર ટીમને રૂ. ૧૫,૦૦૦ અને ટ્રોફી, રાણીપ ટીમને રૂ. ૧૨,૫૦૦ અને ડાંગ ટીમને રૂ. ૧૦,૫૦૦ સાથે ટ્રોફી આપવામાં આવી હતી. અન્ય ટીમોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા.
આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજીઍ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ વાપીમાં યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત અંધજન બહેનો માટે યોજાયેલી આ ક્રિકેટ સ્પર્ધાઍ સમાજમાં રમતગમત પ્રત્યે નવી જાગૃતિ ફેલાવી હતી.
