કોચરવા ફલેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી નજીકના કોચરવા ગામ, જીઆઈડીસી થર્ડ ફેઝ સ્થિત ફલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજન-અર્ચન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ઓમ નમઃશિવાય, હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ વચ્ચે ભક્તોઍ ભક્તિભાવપૂર્વક મહાદેવના અભિષેક, આરતી અને પૂજન વિધિમાં ભાગ લીધો હતો.
મહાશિવરાત્રી નિમિત્તે મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોની સજાવટથી શોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તો વહેલી સવારે જ લાઇનમાં ઉભા રહી પૂજન માટે રાહ જોતા હતા અને દિવસભર ભક્તોની અવરજવર સતત ચાલુ રહી હતી.
મંદિર સાથે સંકળાયેલા ધીરૂભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ૨૪ વર્ષથી મહાશિવરાત્રીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મળસ્કે પાંચ વાગ્યાથી મહાદેવની વિશેષ પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી હતી, જે બીજા દિવસના મળસ્કે પાંચ વાગ્યા સુધી વિધિવત રીતે ચાલુ રહી હતી. આ દરમિયાન રાત્રિભર ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન અવસરે આસપાસના વિસ્તારો ઉપરાંત વાપી અને નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોઍ હાજરી આપી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રીની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
