ધરમપુર મદરસા નજીક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્પીડ બ્રેકરની માંગ ઉઠી
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુરના જેલ રોડ વિસ્તારમાં મીનારા મસ્જિદ પાસે આવેલ મદરસા નજીક વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અહીં દરરોજ સવારે અને સાંજે અંદાજે ૭૦૦થી વધુ નાની ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે મદરસા સામેનો મુખ્ય માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી જ્યાંથી વાહનો વધુ ઝડપે પસાર થવા ને કારણે વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભય રહે છે.
સ્થળ પર હાલ કોઈ સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અથવા જરૂરી ટ્રાફિક સૂચક બોર્ડ ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ સમસ્યા બાબતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ફહીમબિન બાહનાન દ્વારા નગરપાલિકાને રજૂઆતને લઈ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય જગ્યાઍ સ્પીડ બ્રેકર મૂકવા, ઝેબ્રા ક્રોસિંગ બનાવવાની તેમજ જરૂરી ટ્રાફિક સૂચક બોર્ડ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના હિત અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
