સરીગામ-ફણસા મુખ્ય માર્ગ પર ભારે ગંદકીથી લોકો ત્રાહીમામ
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ ઉમરગામ તાલુકોના સરીગામ–ફણસા મુખ્ય માર્ગથી નારગોલ ચાર રસ્તા તરફ જતા માર્ગની બંને બાજુઍ કચરાના ઢગલા ઠાલવાતા અરાજકતાનો માહોલ સર્જાયો છે. માર્ગની બંને તરફ ભંગાર તેમજ પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવતા મૂંગા પશુઓ ટોળેટોળા સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્લાસ્ટિક આરોગતા નજરે પડે છે.
આ ઉપરાંત, ઉપરોક્ત માર્ગ પર કાર્યરત કેટલાક ઉદ્યોગો દ્વારા વાહન ર્પાકિંગ માટે ગેરકાયદેસર રીતે જમીનનો ઉપયોગ થતો હોવાનું પણ જોવા મળે છે. મુખ્ય માર્ગ પર ભંગારના ઢગલા અને પ્લાસ્ટિકની બોટલો ખુલ્લેઆમ ફેંકવામાં આવતા માર્ગની સ્વચ્છતા અને સલામતી બંને પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
ઍક તરફ ગ્રામ પંચાયત સરીગામ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક તત્વો દ્વારા મુખ્ય માર્ગ પર કચરો ઠાલવી સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાવવામાં આવી રહ્ના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સંબંધિત વિભાગના અધિકારીઓઍ વિષયની ગંભીરતા સમજી નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે, જેથી માર્ગની સ્વચ્છતા પુનઃસ્થાપિત થાય અને પશુઓ તથા જાહેર સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
