બીલીમોરાની જે.જે. મહેતા હાઇ.માં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૬ ઃ બીલીમોરા સ્થિત ફ્રેન્ડસ ન્યૂ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જે.જે.મહેતા સાર્વજનિક હાઇસ્કુલ ખાતે શનિવારે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ તથા આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટેનો શુભેચ્છા સમારંભ ટ્રસ્ટના પ્રમુખ ડો. સૂર્યકાંત પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પંકજ પટેલે તમામ મહેમાનોનું શબ્દપુષ્પોથી સ્વાગત કર્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સખત પરિશ્રમ કરી પ્રથમ ક્રમ પ્રા કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ તરફથી પરીક્ષાલક્ષી વિશેષ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. શાળાના પુસ્તકાલયના વિકાસ માટે રોટરી ક્લબ બીલીમોરા અને ઇનરવ્હીલ ક્લબ બીલીમોરા તરફથી રૂ. ૧૧,૦૦૦/- નું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું, જે બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટ પ્રમુખ ડો. સૂર્યકાંત પટેલે વિદ્યાર્થીઓને વર્તમાન સમયના પડકારો ઝીલવા માટે તૈયાર રહેવા અને સતર્કતા પૂર્વક મહેનત કરવા આહવાન કર્યું હતું. મંત્રી નીનાબેન મહેતા ઍ વિદ્યાર્થીઓને પ્રામાણિકતા અને ખંતથી આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા.તેમજ ટ્રસ્ટી અશોક ભટ્ટે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી બોર્ડના વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીઓ મનીષ દેસાઇ, જ્યશ્રી દેસાઇ અને પ્રથમેશ વશી પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓઍ પણ પોતાના પ્રતિભાવોમાં શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા અને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટાફ મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. અંતમાં આચાર્ય મયુરીબેન રાઠોડે આભારવિધિ કરી સૌનો આભાર માન્યો હતો.
