Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરા પાલિકાની ફાયર સુવિધામાં વધારો ઃ મિની બ્રાઉઝરનું લોકાર્પણ કરાયું

બીલીમોરા પાલિકાની ફાયર સુવિધામાં વધારો ઃ મિની બ્રાઉઝરનું લોકાર્પણ કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૬ ઃ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બીલીમોરા શહેરની સુરક્ષામાં વધુ ઍક મોર પીંછ ઉમેરાયું છે. શહેરની ફાયર સર્વિસને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અઢી હજાર લિટરની ક્ષમતા ધરાવતું નવું મિની બ્રાઉઝર સેવામાં કાર્યરત કરવામાં આવ્યું છે. મંત્રી નરેશ પટેલના હસ્તે રિબન કાપી આ વાહનનું લોકાર્પણ કરી તેને જનતાની સુખાકારી માટે સુપ્રત કરાયું હતું. નવા મિની બ્રાઉઝરના આગમન સાથે હવે બીલીમોરા નગરપાલિકાની ફાયર ટીમ વધુ સજ્જ બની છે.હાલ પાલિકા પાસે મોટા બ્રાઉઝર -૦૨ (૧૨,૦૦૦ લિટર ક્ષમતા) મિની બ્રાઉઝર -૦૨ (૨,૫૦૦ લિટર ક્ષમતા) ૦૧ ફાયર બુલેટ અને ૦૧ યાંત્રિક બોટ સેવામાં કાર્યરત છે. પાલિકા દ્વારા સુરક્ષા અને કાર્યક્ષમતાને પ્રાધાન્ય આપીને જૂના અને કન્ડમ થઈ ગયેલા વાહનોને બદલવાની અને જમા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જૂના બે મોટા અને ઍક મિની બ્રાઉઝરને યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરી જેતે ડેપોમાં જમા કરાવવામાં આવશે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, પ્રગ્નેશ પટેલ, વિજય પટેલ,નીરવ ટેલર,અંકિત ટંડેલ, ફાયર ઇન્ચાર્જ જયેશ પટેલ સહિતના મહાનુભાવો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. મિની બ્રાઉઝરની સુવિધા મળતા સાંકડી ગલીઓ કે અંતરિયાળ વિસ્તારોમાં આગની ઘટના સમયે ઝડપી કામગીરી કરી શકાશે તેમ બીલીમોરા ફાયર વિભાગે જણાવ્યું હતું.