Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડાંગ પંથકના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

ડાંગ પંથકના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૧૬ ઃ પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સર્વત્ર શિવમય વાતાવરણ જોવા મળ્યું હતુ. વહેલી સવારથી જ જિલ્લાના ખૂણેખૂણે આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ખાસ કરીને બરમ્યાવડ શિવ મંદિર, સાપુતારા સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિર, ખાતળ અને ચીંચલીના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓઍ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. જિલ્લા મથક આહવા તેમજ શામગહાન અને નિંબારપાડાના મંદિરોમાં પણ ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બરમ્યાવડ, નિંબારપાડા અને ભેંસકાતરી પાસે માયાદેવી નજીક આવેલા શિવ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રિની જાત્રા (મેળા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આમ, શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ભક્તિ સંગીતના કાર્યક્રમો સાથે સમગ્ર ડાંગ જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો હતો.