Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દેવસર નવનાથ ધામમાં ૫૧,૦૦૦ પાર્થિવલિંગની મહાપૂજા કરાઈ

દેવસર નવનાથ ધામમાં ૫૧,૦૦૦ પાર્થિવલિંગની મહાપૂજા કરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૬ બીલીમોરા નજીક આવેલા સુપ્રસિદ્ધ ભક્તિધામ દેવસર નવનાથ ધામ ખાતે મહાશિવરાત્રી પર્વની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય છોટેદાદાના સાનિધ્યમાં આયોજિત ૫૧,૦૦૦ શ્રી શિવ ગોરક્ષ અને પાર્થિવલિંગ મહાપૂજામાં હજારો શ્રદ્ધાળુઓઍ જોડાઈને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશથી પણ ભક્તોઍ ખાસ ઉપસ્થિત રહી સમૂહ પૂજાનો લાભ લીધો હતો. શિવ ઍ જ ગોરક્ષ અને ગોરક્ષ ઍ જ શિવ. પૂજ્ય છોટેદાદા મહોત્સવ દરમિયાન પ્રાસંગિક પ્રવચન આપતા પૂજ્ય છોટેદાદાઍ જણાવ્યું હતું કે, ભગવાન શિવ નિરાકાર છે અને તેમનું સાકાર સ્વરૂપ ઍટલે શ્રી શિવ ગોરક્ષ. સદગુરુ બ્રહ્મલીન સાનેદાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધા સાથે ભક્તોઍ ભારે ઉત્સાહપૂર્વક પાર્થિવલિંગનું પૂજન-અર્ચન કર્યું હતું. સમગ્ર પરિસર હર હર મહાદેવ અને જય શિવ ગોરક્ષનાથ ના ગગનભેદી નાદથી ભક્તિમય બની ગયું હતું. આ પાવન પ્રસંગે નવનાથ ધામ ખાતે વિશાળ મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોપરા પાક, માવા ચીક્કી, મોરિયો, છાસ, શક્કરિયા-બટાકાનું શાક અને રાજગરાની પુરી સહિતના ફરાળી ભોજનનો હજારો ભાવિકોઍ પ્રસાદ લીધો હતો. દિવસભર ચાલેલા ભક્તિમય અનુષ્ઠાન બાદ સાંજની સંધ્યા આરતી અને શિવધૂન સાથે ભક્તિભાવપૂર્વક પાર્થિવલિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું.