ધરમપુર પંથકના શિવાલયોમાં શિવનાદ ગુંજ્યો
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૬ ઃ મહાશિવરાત્રીના પાવન પર્વે ધરમપુર તાલુકાભરના શિવાલયો ભક્તિભાવ અને શ્રદ્ધાથી ગુંજી ઉઠ્યા હતા. સવારથી જ ભાવિક ભક્તો દર્શન અને જલાભિષેક માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વલસાડ–ધરમપુર માર્ગ વચ્ચે વાંકલના દુલસાડ ગામે ૩૧ ફૂટ ઊંચા અને ૩૧ લાખ રુદ્રાક્ષથી નિર્મિત ભવ્ય શિવલિંગના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટ્યા હતા. અહીં પૂજ્ય બટુકભાઈ વ્યાસની અમૃતવાણીનો લાભ લઈ ભક્તોઍ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધરમપુરના બરૂમાળ સ્થિત ભાવ ભાવેશ્વર મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જામેલી જોવા મળી હતી. અહીં ૧,૨૫,૦૦૦ માટીના શિવલિંગોની રચના આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને નિહાળવા ભક્તો ઉમટી પડ્યા હતા. વિમળેશ્વર મંદિર ખાતે ઘીમાં કંડારાયેલી ભગવાન શિવની ભવ્ય પ્રતિમા દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ રહી હતી. ભક્તોઍ દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
મોહનગઢના મોહનેશ્વર મંદિર ખાતે ૨૦ કિલો ઘીથી કમળના ફૂલમાં કંડારાયેલી ભગવાન શિવ-પાર્વતીની પ્રતિમાઍ સૌનું મન મોહી લીધું હતું. ધરમપુરના મનહરઘાટ સ્થિત ભગવાન શંકરના મંદિર તેમજ ત્રણ દરવાજા આગળ આવેલા નિયતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. દસોંદી ફળિયામાં આવેલા ભોલેનાથ મંદિરમા સવારથી જ શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે પહોંચ્યા હતા. સાંજના સમયે તાલુકાભરના વિવિધ શિવાલયોમાં ભજનો અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાશિવરાત્રીના આ મહાપર્વે ધરમપુર તાલુકો ભક્તિ ભાવ સાથે શિવમય બન્યો હતો.
