વલસાડના જલારામ મંદિરમાં પારસી કલાકારની પીંછીના લસરકાઍ ‘બાપા’ને જીવંત કર્યા
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ જ્યારે ભક્તિ અને કલાનો સંગમ થાય છે, ત્યારે ધર્મના સીમાડા ઓગળી જાય છે. આવું જ કંઈક વર્ષો પહેલાં વલસાડના સુપ્રસિદ્ધ જલારામ મંદિરના નિર્માણ સમયે બન્યું હતું. આજે મંદિરમાં ભક્તો જે તેજસ્વી ચિત્રના દર્શન કરી રહ્ના છે, તે કોઈ વ્યાવસાયિક કલાકાર દ્વારા નહીં, પરંતુ વલસાડના જ ઍક પારસી કલાકાર (ફરોખ બાપા) દ્વારા માત્ર શોખ અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવ્યું હતું.
આ કિસ્સાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મંદિરના ટ્રસ્ટીઓઍ બાપાના ફોટા માટે અનેક કલાકારોને આમંત્રણ આપ્યું હતું. વલસાડના અલકા ટોકીઝના તત્કાલીન માલિક સ્વ. ભરતભાઈ વશીઍ તેમના મિત્ર ફરોખભાઈને પ્રોત્સાહન આપ્યું અને કહ્નાં, ૅફરોખ, તું બાપાનો ફોટો બનાવ, જો શ્રેષ્ઠ હશે તો મંદિરમાં સ્થાન પામશે.ૅ જોકે તેઓ પ્રોફેશનલ આર્ટિસ્ટ નહોતા, પરંતુ વારસામાં મળેલી કલા અને ખુદાની બક્ષિસ પર ભરોસો રાખી તેમણે આ પડકાર ઝીલી લીધો છે. નામ વગરની કલા બની સર્વશ્રેષ્ઠ
ઉદઘાટનની આગલી રાત્રે, જ્યારે અનેક ધુરંધર પેઈન્ટરોના ચિત્રોથી આખો હોલ ભરાઈ ગયો હતો, ત્યારે ફરોખભાઈ લારીમાં પોતાનું ચિત્ર લઈને પહોંચ્યા હતા. રસપ્રદ વાત ઍ બની કે અન્ય તમામ આર્ટિસ્ટોઍ બાપાના ચરણો પાસે પોતાના નામ લખ્યા હતા, પરંતુ આ પારસી કલાકારે **‘નામ કરતા કામ અને શ્રદ્ધા’*ને પ્રાધાન્ય આપીને ક્યાંય પોતાનું નામ લખ્યું નહોતું.?ૅ ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાના ફોટામાં મારા નામની કોઈ જરૂર નથી.ૅ
આજે પણ જ્યારે કલાકાર મંદિરે જાય છે, ત્યારે તેમને કોઈ ગર્વ નહીં પણ ઍક અનોખો આદર અને જૂની યાદોનો સંતોષ મળે છે.
પારસી સમુદાય હંમેશા ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે, અને આ કિસ્સો સાબિત કરે છે કે સાચી કલા અને સાચી ભક્તિને કોઈ ધર્મ નથી નડતો. વલસાડના જલારામ મંદિરમાં બિરાજતા બાપાનો આ ફોટો આજે પણ તે પારસી કલાકારની નિઃસ્વાર્થ સેવાની સાક્ષી પૂરે છે.
