રાબડાના વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં મહાશિવરાત્રીના પાવન પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવ્ય અવસરે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય માં વિશ્વંભરીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે ધામમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજના આ વિશેષ દિને લોકકલ્યાણ અને વિશ્વશાંતિની ભાવના સાથે વૈદિક મંત્રોચ્ચા સાથે યજ્ઞ અને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ લાભ લીધો હતો. આજે માં વિશ્વંભરી તથા દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દૂર-દૂરથી આવેલા ભાવિકોઍ દર્શનનો લહાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
