‘ધોડિયા લોકવાર્તા’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતિય ઈનામ
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૫ ઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આવતી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નેશનલ ફોરેસીક સાયન્સીસ યુનિવર્સિટી, સેક્ટર-૯, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પારિતોષિક અર્પણ સમારોહ યોજાનાર છે. આ પ્રસંગે પ્રા. ડો. અરવિંદભાઈ પટેલ અને પ્રા. ડો. સુધાબેન પટેલ દ્વારા સંપાદિત સાહિત્ય પ્રૌઢ વિભાગના લોકસાહિત્ય સ્વરૂપના ગ્રંથ ‘ધોડિયા લોકવાર્તાઓ’ને વર્ષ ૨૦૨૪ના ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે દ્વિતીય પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતના કુંકણા, ધોડિયા, વારલી, ચૌધરી, ગામીત, વસાવી જેવી આદિવાસી ભાષાઓમાં લોકવાર્તાઓનું સંશોધન અને સંપાદન કાર્ય સમયાંતરે થયું છે, પરંતુ ‘ધોડિયા લોકવાર્તાઓ’ આદિવાસી લોકસાહિત્યના વિકાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ગ્રંથની મુખ્ય ખાસિયત ઍ છે કે તેમાં સમાવિષ્ટ વાર્તાઓ અતિ વયોવૃદ્ધ માહિતીદાતાઓ પાસેથી સીધું સંભળાવીને સંકલિત કરવામાં આવી છે.
મૂળ ધોડિયા ભાષામાં રજૂ થયેલી વાર્તાઓ સાથે ગુજરાતી ભાવાનુવાદ, કઠિન શબ્દાર્થ અને પરિશિષ્ટમાં લોકકથા-લોકવાર્તાની વિભાવના, તેમનાં સામ્ય-વૈષમ્ય તથા સંશોધન-સંપાદનના ઇતિહાસ વિષયક અભ્યાસલેખો સામેલ કરવામાં આવ્યા છે. સંપાદકોઍ દક્ષિણ ગુજરાતની ધોડિયા બોલીની સ્વાભાવિક લય અને લહેકો જાળવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો છે.
આ સંગ્રહમાં રાજા, રાણી, બાવો, સાતભાઈઓ, ગોવાળિયો જેવા માનવપાત્રો સાથે રાક્ષસ, ડાકણ, ગરુડ, મહાદેવ જેવા માનવેતર પાત્રોનું વૈવિધ્ય જોવા મળે છે. ધોડિયા લોકબોલીના લયબદ્ધ વાક્યપ્રયોગો અને કહેવતો આ ગ્રંથને ભાષાનું અમૂલ્ય ઘરેણું બનાવે છે. સંશોધકો, વિદ્વાનો અને અભ્યાસીઓ માટે આ પુસ્તક પ્રેરણાસ્ત્રોત બની રહે તેવું છે.
