દાનહના શિવાલયોમાં મધરાતથી જ ભક્તોની ભીડ જામી
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૫ ઃ દાદરા અને નગર હવેલી જિલ્લામાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ભક્તિભાવનો માહોલ છવાયો હતો. જિલ્લાનાં વિવિધ શિવાલયોમાં મધરાતથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. મંદિરો રાતભર ખુલ્લાં રાખવામાં આવ્યા હતા અને ભક્તોઍ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક તેમજ વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ‘હર હર મહાદેવ’ના જયકારોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મધરાતે નિશિતકાલ પૂજા સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે યોજાયેલી મહાઆરતીમાં હજારો ભક્તોઍ ભાગ લીધો હતો. અનેક ભક્તોઍ ઉપવાસ રાખી દૂધાભિષેક, રુદ્રાભિષેક અને પંચતત્વાભિષેક કરી ભક્તિ વ્યક્ત કરી હતી.
ભીડને ધ્યાનમાં રાખીને મુખ્ય મંદિરો ખાતે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દર્શન વ્યવસ્થા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નહોતો. સેલવાસ નજીક લવાછા ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, સેલવાસના ગાયત્રી મંદિર પરિસરમાં રાજ રામેશ્વર મહાદેવ મંદિર, આમલી બાલાજી મંદિર, ખાનવેલ નજીક બિન્દ્રાબીનમાં તડકેશ્વર મહાદેવ મંદિર, દૂધણીનું દૂધેશ્વર મહાદેવ મંદિર, બાલદેવીનું ભવનાથ મહાદેવ મંદિર, નરોલીનું ગુેશ્વર મહાદેવ મંદિર, બોરીગામના ગાયેશ્વર અને ગુેશ્વર મહાદેવ મંદિર, બોન્ટા ગામના તડકેશ્વર અને ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, દાદરા દેમણી રોડનું જ્યોતિશ્વર મહાદેવ મંદિર, કરાડ મધુબન કોલોનીનું ગંગેશ્વર મહાદેવ મંદિર તથા મસાટનું સોમેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક મંદિરોમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો.
