નવસારી જિલ્લામાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિર યોજાયો
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૫ ઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્યના કમિશનરની પ્રેરણાથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે ખાસ સાગરકાંઠા પરિભ્રમણ શિબિર ૨૦૨૫-૨૬ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ૧ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ શિબિરમાં વિવિધ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયના આશરે ૧૦૦ જેટલા શિબિરાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ શિબિર દરમિયાન યુવાઓઍ નવસારીના ઉભરાટ બીચ થી શરૂ કરી વલસાડના ઉમરગામ બીચ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં દાંડી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લઈ ઐતિહાસિક વારસાની જાણકારી મેળવી, ધોલાઈ બંદર મત્સ્યોદ્યોગ કેન્દ્ર અને બંદરની કાર્યપ્રણાલી વિશે માહિતગાર થયા, તીથલ દરિયાકાંઠે આવેલ મંદિરો અને પ્રવાસન સ્થળની મુલાકાત,દમણ, નારગોલ અને ઉમરગામ જેવા દક્ષિણ ગુજરાતના સરહદી દરિયાકાંઠાના વિસ્તારોનું પરિભ્રમણ કરી મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી.
આ શિબિરનો મુખ્ય હેતુ અનુસૂચિત જનજાતિના યુવાઓ સાગરકાંઠાના ઉદ્યોગો, ત્યાં વસતા લોકોના જીવનવ્યવહાર, તેમની ભૌગોલિક સમસ્યાઓ અને વિશિષ્ટ સંસ્કૃતિથી પ્રત્યક્ષ રીતે પરિચિત થાય તેવો રહ્ના હતો.
