તિથલ અને સુરવાડા દરિયાકિનારે કાચબો અને વ્હેલ માછલી મૃત હાલતમાં મળ્યા
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડના તિથલ અને સુરવાડાના દરિયાકિનારેથી ડોલ્ફિન માછલી અને કાચબો મૃત હાલતમાં કિનારે જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને વિભાગીય કચેરીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. વલસાડ તાલુકાના તિથલ દરિયા કિનારે આવેલા તિથલ સૉલ્ટી બીચના આગળના દરિયા કિનારે દુનિયાની સૌથી નાની વહેલ ગણાતી ‘પોર્પોઈસ’ મૃત અવસ્થામાં તણાઈ આવી હતી. આ જ સમયે, નજીકના સુરવાડા દરિયાકિનારે પણ ઍક મહાકાય ‘ગ્રીન ટર્ટલ’ (કાચબો) મૃત હાલતમાં મળી આવ્યો હતો. સામાન્ય રીતે ઍપ્રિલ મહિના પછી દરિયામાં પાણીના કરંટ અને પ્રવાહ વધતા મૃત દરિયાઈ જીવો કિનારા પર તણાઈ આવવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઍક સાથે બે દુર્લભ જીવોનું મૃત્યુ થવું અને કિનારે તણાઈ આવવું ઍ પર્યાવરણના બદલાવ અને દરિયાઈ જીવસૃષ્ટિ સામેના જોખમ તરફ ઈશારો કરે છે. દરિયાઈ પ્રદૂષણ અને કેમિકલ યુક્ત ઔદ્યોગિક કચરો (ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ) ગેરકાયદેસર રીતે દરિયામાં છોડવાના કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. આ બંને જીવોના મૃત્યુ અંગેની જાણ થતા વલસાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ ગટર સ્થળે દોડી જાય આગળની કાર્યવાહી હાથ ધરી છે.
