વલસાડમાં ડુક્કર પકડવાની હદ બાબતે બે પર સળિયાથી હુમલો ઃ ૪ સામે ફરિયાદ
- byDamanganga Times
- 14 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા-ભત્રીજા પર લોખંડના સળિયાથી હુમલો કરવાની ઘટનામાં ઍક યુવકને ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ સીટી પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરના ધોબી તળાવમાં રહેતા હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડે વલસાડ સીટી પોલીસ કોટક માં ફરિયાદ નોંધાવી કે તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે ૯ઃ૩૦ કલાકે ધોબીતળાવ પાસે રહેતા શ્યામ દેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે વાતચીત કરવા ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાઈ જઈ ભરતભાઈને ઢીંકમુક્કીનો માર મારતા કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરજ ઘટનાસ્થળે દોડી જતા ચારે આરોપીઓઍ ભેગા મળી હિતેશ અને વિરજ પર પણ હુમલો કર્યો હતો. શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો મારતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડતા આજુબાજુના લોકો દોડી જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઇજા પામેલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ સીટી પોલીસ મથકમાં શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે ફરિયાદ નોંધ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
