ઉમરગામમાં બીઍપીઍસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ ઉમરગામ ટાઉન વિસ્તારમાં સુંદરવન અને અડીને આવેલ પ્લોટમાં બીઍપીઍસ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો પાવન પ્રસંગ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ગાંધીનગર ખાતેથી પધારેલા મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં તેમના કરકમળો દ્વારા વિધિવિધાન મુજબ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પાવન પ્રસંગે આમંત્રણ અને માન આપી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, દક્ષેશભાઈ બારી, જય માતાજી સેવા સંઘ પ્રમુખ તથા ઉમરગામ ભાનુશાલી સમાજ ટ્રસ્ટ પ્રમુખ નારણભાઈ મંગે, તેમજ હોદ્દેદારો હિરજીભાઈ ભાનુશાલી, દયારામભાઈ, લાલજીભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્ના હતાં. ઉપરાંત શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મણીભાઈ પટેલ, ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા સહિત વિવિધ સમાજોના આગેવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.
શિલાન્યાસ બાદ મહંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ઍ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ અંગે માહિતી બીઍપીઍસ સ્વામિનારાયણ મંદિર, સેલવાસના ચિન્મય સ્વામી દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ઉમરગામ ખાતે બાળ મંડળ, મહિલા મંડળ અને સ્થાનિક ભક્તોને સત્સંગનો લાભ મળી રહે તે હેતુથી સુંદર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્નાં છે.
પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોઈ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે બીઍપીઍસ સંસ્થા દ્વારા સેલવાસમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે ઉમરગામમાં સ્થાનિક ભક્તોને ઘરઆંગણે સત્સંગનો લાભ મળી રહે તે માટે મંદિરના નિર્માણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
