Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દહેરીમાં ગ્રામ સચિવાલયનું રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ શરૂ

દહેરીમાં ગ્રામ સચિવાલયનું રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૨ ઃ ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત ખાતે નવા ગ્રામ સચિવાલયના મકાનનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ સચિવાલયને વહીવટી મંજૂરી મળતાં જ ગામના વિકાસને નવી ગતિ મળશે.

ધારાસભ્ય રમણભાઈ પાટકરે કાર્યક્રમ દરમિયાન ઉમરગામ તાલુકામાં કુલ ૧૪ ગ્રામ સચિવાલયોની મંજૂરી મળ્યાની માહિતી આપી હતી. જેમાંથી દહેરી ગ્રામ પંચાયતનું સચિવાલય ઍક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેમણે દહેરી વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતાં. સરપંચ ધનેશભાઈ, ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી, ગ્રામ પંચાયતના સભ્યો તથા તલાટી-કમ-મંત્રીના અથાગ પ્રયાસોથી ‘ગામનું ઘરેણું’ કહેવાય તેવું આ સચિવાલયનું નિર્માણ કાર્ય શરૂ થયું છે.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, સોળસુંબા વિસ્તારના આગેવાન અનિલભાઈ જૈન, જવાહરસિંહ રાજપુરોહિત, પી.ડબલ્યુ.ડી. વિભાગના ઇજનેર વિરલભાઈ અને અવધભાઈ, અંકલાસ ગ્રામ પંચાયતના સરપંચ રવુભાઈ, મરોલી ગ્રામ પંચાયતના આગેવાન ચિરાગભાઈ, દહેરી ગામના આગેવાન અને પૂર્વ ઉપસરપંચ કેતનભાઈ પાટીલ સહિત ધર્મેશભાઈ નાયક, નીતિનભાઈ કામલી, પ્રકાશભાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે દહેરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકીઍ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.