બીલીમોરામાં સ્મશાનભૂમિ પરના બાંધકામ સામે વિરોધ
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૧ ઃ બીલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે પર આવેલી શાહ ભીખાભાઈ મોતીજી સ્મશાન ભૂમિ તરીકે ઓળખાતી ખાનગી માલિકીની જમીન પર થઈ રહેલા બાંધકામ અંગે વિવાદ ઊભો થયો છે. આ જમીનના સહમાલિક અમિતકુમાર શાહ દ્વારા બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરને વાંધા અરજી પાઠવી બાંધકામની મંજૂરી રદ કરવા માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ખાતા નંબર ૧૦૦ અને સર્વે નંબર ૩૧ પૈકી ૧ વાળી આ જમીન તેમની પારિવારિક ખાનગી મિલકત છે. આ જમીન પર જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માલિકોની પરવાનગી વગર જલા-શિવ પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે આ બાંધકામ માટે પરિવારની કોઈ લેખિત મંજૂરી લેવામાં આવી નથી, તેથી નગરપાલિકા દ્વારા જો આ માટે કોઈ બિલ્ડિંગ પરમિશન આપવામાં આવી હોય તો તેને તાત્કાલિક રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ વિવાદ અંગે જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના દીપેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,આ મામલે અમિતભાઈ શાહ સાથે સીધી વાતચીત કરવામાં આવી છે અને બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ આ વિવાદનું સુખદ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
