Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે પત્રકારત્વ અંગે સેમિનાર યોજાશે

વલસાડમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે પત્રકારત્વ અંગે સેમિનાર યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૧ ઃ ગુજરાત સાહિત્ય અકાદમી સંલગ્ન સાહિત્ય કાર્યક્રમ અંતર્ગત પત્રકારત્વ વિષય પર વિશેષ સેમિનારનું આયોજન આગામી તા.૧૬મીના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે વલસાડના આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન પત્રકાર વેલ્ફેર ઍસોસિયેશન, વલસાડ અને પુસ્તક પરબ, વલસાડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તા. ૨૧ મી ફેબ્રુઆરીઍ વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત તા.૧૬ થી ૨૧ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્ના છે. જે અંતર્ગત પત્રકાર વેલ્ફેર ઍસોસિઍશન વલસાડ દ્વારા વલસાડમાં પત્રકારત્વ વિષય ઉપર સેમિનાર યોજવામાં આવી રહ્ના છે. 

આ સેમિનારમાં પત્રકારત્વના ક્ષેત્રે લાંબા સમયનો અનુભવ ધરાવતા બે પ્રતિષ્ઠિત વક્તાઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. વર્ષો સુધી મુંબઈમાં પત્રકારત્વ અને કોલમિસ્ટ તરીકે કાર્યરત રહેલા વિનીત શુક્લ સ્વયં જાગતુંને રાષ્ટ્રને જગાડતું પત્રકારત્વ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. જ્યારે ગુજરાત મિત્રના પૂર્તિ સંપાદક અને જાણીતા કોલમિસ્ટ બકુલ ટેલર આજનાં પત્રકાર, આજનું પત્રકારત્વ સંજોગો અને પડકારો વિષય પર માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દમણગંગા ટાઈમ્સના તંત્રી વિકાસ ઉપાધ્યાય તથા ગુજરાત મિત્રના બ્યુરો ચીફ હનીફ મહેરી ઉપસ્થિત રહેશે. સેમિનાર દરમિયાન પત્રકારત્વના વર્તમાન પડકારો, જવાબદારી, સંજોગો અને સમાજમાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

પત્રકાર વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ હર્ષદ આહિરના જણાવ્યા મુજબ, આ સેમિનાર દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે રસ ધરાવતા પત્રકારો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે અનુભવી વક્તાઓના વિચારો અને અનુભવનો લાભ લેવા માટેની ઉત્તમ તક મળશે. તેમણે પત્રકારત્વ, સાહિત્ય અને વિચારવિમર્શમાં રસ ધરાવતા સૌને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે.