ઉમરગામમાં માતાની હત્યાનો આરોપી પુત્ર ઝડપાયો
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ ઉમરગામ ટાઉન વિસ્તારમાં આવેલા માહ્નાવંશી ફળિયામાં આજે ઍક હ્લદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૪૦ વર્ષીય પુત્ર કિરીટે સામાન્ય બાબતે થયેલી તકરાર બાદ ગુસ્સામાં આવી પોતાની જ માતા પાર્વતીબેન પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી પુત્ર કિરીટની અટકાયત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ તેમજ દુઃખની લાગણી જોવા મળી રહી છે. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.
ઉમરગામ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યાના કારણો અને અન્ય વિગતો અંગે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
