Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરા જય જલારામ મંદિરમાં નેત્રયજ્ઞ યોજાયો

બીલીમોરા જય જલારામ મંદિરમાં નેત્રયજ્ઞ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૦૯ ઃ દક્ષિણ ગુજરાતમાં માનવતાની મહેક પ્રસરાવતી સેવાભાવી સંસ્થા શ્રી જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સયુંકત ઉપક્રમે રવિવારે નેત્રયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કુલ ૨૧૮ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૮૦ દર્દીઓને મોતિયાની અસર જણાતા તેમના સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે દર્દીઓને સુપા (નવસારી) લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા બીલીમોરા શ્રી જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના નંબર હોય તેવા ૫૫ દર્દીઓ અને ૪૦ દર્દીઓને બાઈફોકલ ચશ્માંનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ૧૪ વેલના દર્દીઓનું પણ નિદાન કરવામાં આવ્યું હતું.

નેત્રયજ્ઞમાં નેત્રસર્જન ડૉ. અંકિતાબેન પટેલ, ડોક્ટર્સ ટીમ અને નર્સ સ્ટાફ દ્વારા આધુનિક સાધનોથી દર્દીઓની તપાસ કરી જરૂરી નિદાન કરાયું હતું. જલારામ ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલે જણાવ્યું કે બીલીમોરાને મોતિયા મુક્ત કરવાના અભિયાન રૂપે ટ્રસ્ટ દ્વારા દર ત્રણ મહિને કૅમ્પનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો. ડૉ. દીપેશભાઈ પટેલે જણાવ્યું કે આવી કાળઝાળ મોંઘવારીમાં ગરીબ અને નિરાધાર દર્દીઓ માટે આ શિબિર આર્શિવાદરૂપ બનશે. જેની આંખનાં અજવાળા હોલવાઈ ગયા હોય તેઓ દ્રષ્ટિ પ્રા કરી શકે તેવી ઉમદા ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું. નેત્ર મંદિરના રોનકભાઇઍ માનદ સેવા આપી માનવતા મહેકાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મગનભાઈ પટેલ, ભગવતી પ્રસાદ દાસ, કનૈયાલાલ વર્મા, દિનેશભાઇ પટેલ,જયેશભાઇ હિડોચા,મેનેજર રાજેશભાઈ સહિત સ્વયંસેવકો દીપકભાઈ ગાંધી, નિકીતાબેન, ભાવનાબેન ગાંધી વગેરેઍ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ તરફથી તમામ દર્દીઓ માટે સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.