Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડાંગ કલેકટરે બિલમાળમાં ગ્રામજનોની વ્યથા સાંભળી તાત્કાલીક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું

ડાંગ કલેકટરે બિલમાળમાં ગ્રામજનોની વ્યથા સાંભળી તાત્કાલીક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૦૯ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં આવેલા બિલમાળ ગામમાં જિલ્લા કલેકટર શાલિની દુહાનનાં શુભેચ્છા દૌરા સાથે ગામમાં વિકાસ અંગે નવી આશાની કિરણ જાગી છે.વર્ષોથી મૂળભૂત સુવિધાઓના અભાવે પરેશાન રહેલા ગ્રામજનોને પહેલી વાર વહીવટી તંત્ર સીધું તેમની સમસ્યાઓ સાંભળવા પહોંચ્યું હતું, જેના કારણે અનેક પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ થયા હતા. મુલાકાત દરમિયાન ગ્રામજનોઍ પ્રાથમિક શાળામાં વર્ગખંડોની અછત અંગે ગંભીર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા વધવા છતા પૂરતા ઓરડાઓ ન હોવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર પડી રહી હોવાનું જણાવાયુ હતુ. ઉપરાંત, આંગણવાડી માટે પાક્કા મકાનની અછત તથા પીવાના પાણીની અનિયમિત વ્યવસ્થા અંગે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામના આંતરિક રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન આવનજાવન અશક્ય બની જાય છે.આ બાબતે તાત્કાલિક ધોરણે મજબૂત રસ્તાઓ બનાવવાની માગ ઉઠી હતી. સૌથી ગંભીર મુદ્દા તરીકે બિલમાળથી બોરખલ અને આહવા જોડતી ઍસટી બસ સેવા બંધ હોવાનો પ્રશ્ન રજૂ થયો હતો. પરિવહનની કોઈ સગવડ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને દરરોજ આશરે ૮ કિમી જંગલ માર્ગે પગપાળા જવું પડે છે.

દીપડા સહિતના જંગલી પ્રાણીઓથી સંવેદનશીલ ઍવા માર્ગ પરથી પસાર થવું જોખમભર્યું હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાવાની ભીતિ ગ્રામજનોમાં વ્યાપી છે. શિક્ષણ માટે જીવ જોખમમાં મૂકવો પડે છે તેવી વ્યથા વ્યક્ત કરી તાત્કાલિક ઍસટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડાંગના સુપ્રસિદ્ધ અર્ધનારીશ્વર નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે આવનારી મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભાવિકો ઉમટી પડતા હોવાથી પીવાનું પાણી, શૌચાલય અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા કલેકટર શાલિની દુહાને તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક અને પ્રાથમિકતા આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. હવે સમગ્ર વિસ્તારમાં નજર રહેશે કે વહીવટી તંત્ર આ રજૂઆતોને માત્ર કાગળ પર સીમિત રાખે છે કે ખરેખર અંતરિયાળ ગામ સુધી વિકાસની ગતિ પહોંચાડે છે.બિલમાળ ગામની આ મુલાકાત ઔપચારિક ન રહી, પરંતુ હકીકતમાં કામગીરી માટે પ્રેરક સાબિત થાય તેવી ગ્રામજનોમાં અપેક્ષા વધી છે.