કાજલીગામમાં રૂ. ૧૧૦ લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત કરાયું
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૦ ઃ નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ પંચાયત સિંચાઈ વિભાગ, વલસાડના સંયુક્ત આયોજન હેઠળ આજરોજ કાજલી ગામે મહત્વપૂર્ણ વિકાસકાર્યોના ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કાજલી ગામે ઉદ્દ્વહન સિંચાઈ યોજના માટે અંદાજીત રૂ. ૮૦ લાખના ખર્ચે તથા કાજલી ગામે ચેકડેમ-કોઝવેના નિર્માણ માટે અંદાજીત રૂ.૩૦ લાખના ખર્ચે થનારા કામોનું ખાતમુહુર્ત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે, આ વિકાસકાર્યોના અમલથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. સાથે સાથે ચેકડેમ-કોઝવેના નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે. પરિણામે ખેતી અને પશુપાલન ક્ષેત્રે પ્રગતિ થશે તેમજ ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ખાતમુહુર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીઍ રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તથા ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયતના સભ્યો, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
