Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાપોંઢા કોલક નદીના પુલ ઉપર જોખમી સ્પીડબ્રેકર વાહનચાલકો માટે માથાનો દુખાવો

નાનાપોંઢા કોલક નદીના પુલ ઉપર જોખમી સ્પીડબ્રેકર વાહનચાલકો માટે માથાનો દુખાવો


 નાનાપોંઢા, તા. ૧૦ ઃ  નાનાપોંઢા ગામ નજીક આવેલા કોલક નદીના પુલ ઉપર બંને બાજુ બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર (બમ્પર) વાહનચાલકો માટે ગંભીર જોખમરૂપ સાબિત થઈ રહ્ના છે. આ સ્પીડબ્રેકરની ઊંચાઈ નિયમો કરતાં વધારે હોવા સાથે સાથે તેના ઉપર જરૂરી વાઈટ પટ્ટા (રિફલેક્ટિવ ર્માકિંગ) ન હોવાને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં આ બમ્પર દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો અચાનક બ્રેક મારવા મજબૂર થાય છે અને અકસ્માત સર્જાય છે.સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોઍ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી આ સ્થળે અનેક નાના-મોટા અકસ્માતો થયા છે. ઘણી વખત કાર, બાઈક તેમજ અન્ય વાહનોના આગળના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું છે. કેટલાક વાહનચાલકોને તો ઈજા પણ પહોંચી છે. ખાસ કરીને અજાણ્યા મુસાફરો માટે આ પુલ અત્યંત જોખમી બની ગયો છે, કારણ કે તેમને આગળ સ્પીડબ્રેકર છે તેની કોઈ આગાહી કે સૂચના મળતી નથી.

વાહનચાલકોનું કહેવું છે કે સ્પીડબ્રેકર બનાવવાનો હેતુ વાહનોની ઝડપ નિયંત્રિત કરવાનો હોય છે, પરંતુ જ્યારે તેની ઊંચાઈ અતિશય વધારે હોય અને યોગ્ય નિશાનચિહ્નો ન હોય ત્યારે તે અકસ્માતનું કારણ બને છે. હાઈવે ઓથોરિટી તથા સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમો મુજબ સ્પીડબ્રેકર ઉપર સ્પષ્ટ રીતે વાઈટ અથવા રિફલેક્ટિવ પટ્ટા હોવા અનિવાર્ય છે, જેથી દૂરથી જ વાહનચાલકોને તેની જાણ થઈ શકે. પરંતુ નાનાપોંઢા કોલક નદીના પુલ ઉપર આ નિયમોનું પાલન થતું નથી.

આ બાબતે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્ર અને અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જે બાબત દુઃખદ છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી વિસ્તારના વાહનચાલકો તથા ગ્રામજનો દ્વારા તંત્ર, સંબંધિત અધિકારીઓ અને હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને જોરદાર માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે આ સ્પીડબ્રેકરની ઊંચાઈ નિયમ મુજબ સુધારવામાં આવે તેમજ તેના ઉપર સ્પષ્ટ વાઈટ રિફલેક્ટિવ પટ્ટા દોરવામાં આવે. સાથે સાથે જરૂરી સૂચન બોર્ડ અને ચેતવણીના સંકેતો પણ મૂકવામાં આવે જેથી અકસ્માતોને અટકાવી શકાય.

વાહનચાલકોનું કહેવું છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તો અનેક જીવ બચી શકે અને વાહન નુકસાનથી પણ બચી શકાય. હવે જોવાનું રહેશે કે તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ ગંભીર મુદ્દાને કેટલું ગંભીરતાથી લે છે અને ક્યારે યોગ્ય કાર્યવાહી કરે છે.