વલસાડ જી.પં.ની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાશે
- byDamanganga Times
- 10 February, 2026
વલસાડ, તા. ૦૯ ઃ ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (નેશનલ ડી ર્વોમિંગ ડે- ઍનડીડી) ની ઉજવણી તા. ૧૦-૦૨-૨૦૨૬ના રોજ થનાર છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૦-૦૨-૨૦૨૬ અને તા.૧૭-૦૨-૨૦૨૬ નાં રોજ બાકી રહી ગયેલા બાળકો માટે ‘‘મોપ અપ’’ દિવસનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧થી ૧૯ વર્ષનાં તમામ બાળકોને આંગણવાડી અને શાળામાં કૃમિનાશક ગોળી આપવાની રહેશે. જે ગોળી ચાવીને લેવાની હોય છે તેમજ આ સાથે-સાથે વિટામિન ઍ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોમાં કુપોષણ ઍનિમિયા, વજન ઘટાડો, નબળાઈ, અભ્યાસમાં મન ન લાગવું, વગેરે કારણો માટે કૃમિ (કરમ) પણ જવાબદાર હોઈ શકે છે, તેથી બાળકોના સર્વાંગી વિકાસ માટે આ દિવસની ઉજવણી મહત્વની ગણાય છે. કુપોષણ ઍ આજનાં સમયની ઍક મોટી સમસ્યા હોવાથી તેમાં કૃમિ ખુબ મોટો ભાગ ભજવતા હોઈ, વર્ષમાં બે વખત ૧ થી ૧૯ વર્ષનાં તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવી અત્યંત જરૂરી બની જાય છે. જે ધ્યાને લઈ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત દિવસો દરમિયાન ઝુંબેશરૂપે આ કામગીરી કરવામાં આવશે.
વલસાડ જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં અંદાજીત ૪૦૮૭૮૦ જેટલા બાળકોને આવરી લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શાળાઍ ન જતા બાળકોને પણ આવરી લેવા હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી હાથ ધરાશે. આરોગ્ય વિભાગની સાથે સાથે શિક્ષણ વિભાગ, સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન બહોળા પ્રમાણમાં જન જાગૃતિ આવે અને તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવે તે માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનોને સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
