દુલસાડમાં મહારક્તદાન અને જનજાગૃતિ ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 09 February, 2026
વલસાડ, તા.૦૮ ઃ વલસાડ તાલુકાના દુલસાડ ગામમાં રેઇનબો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામ પંચાયત દુલસાડના સહયોગથી ૬૫મો ત્રિવેણી સામાજિક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દુલસાડ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૬૫મો મહા રક્તદાન કેમ્પ સાથે અંગદાન, દેહદાન તથા ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સેવા યજ્ઞમાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડનો મહત્વપૂર્ણ સહયોગ પ્રા થયો હતો. કાર્યક્રમ અંતર્ગત સાકાર વાંચન કુટીરના સફળ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે સ્કૂલ બેગ, સ્ટીલ ગ્લાસ સેટ, ઘાબળા તથા છોડ જેવી ઉપયોગી ભેટો આપવામાં આવી હતી. સાથે સાથે કાર્યક્રમના અંતે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ ટીવી, સાયકલ, ડબલ બેડ, ઇન્ડક્શન સ્ટોવ, ટાવર ફેન, કુકર, પાવર બેંક સહિત અનેક આકર્ષક ઇનામો રાખવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા રક્તદાન સાથે દાન સંસ્કૃતિને જનજન સુધી પહોંચાડવાનો માનવતાભર્યો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન આયોજક શંકરભાઈ પટેલ (કો-ઓર્ડિનેટર, રેઇનબો વોરિયર્સ)ના માર્ગદર્શન હેઠળ થયું હતું.
