સેલવાસમાં આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી વય વંદના યોજનાની નોîધણી શરુ
- byDamanganga Times
- 07 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૬ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસકના માર્ગદર્શન મુજબ પ્રદેશમાં આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત નોંધણી અને રિન્યુઅલની પ્રક્રિયા ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે.
આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે, જે વર્ષ ૨૦૧૮થી સમગ્ર દેશ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં અમલમાં છે. યોજનાના અંતર્ગત લાભાર્થીઓની નોંધણી અને ચકાસણી બે શ્રેણીમાં કરવામાં આવી રહી છે—સામાજિક-આર્થિક જાતિ જનગણના ૨૦૧૧ની યાદી મુજબના પરિવારો અને વંચિત પરિવારો. નિર્ધારિત પ્રીમિયમ ભરીને પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ હવે ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનાનો લાભ મળશે, તેઓ કોઈપણ આર્થિક વર્ગના કેમ ન હોય—ગરીબ, મધ્યમ કે ઉચ્ચ વર્ગ.
પ્રદેશમાં પરિવાર ૩૯૦૮ રૂપિયાનું પ્રીમિયમ ભરીને યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાના માધ્યમથી નાગરિકો પોતાની બીમારીઓની સારવાર કોઈપણ સૂચિબદ્ધ હોસ્પિટલમાં કરાવી શકે છે.
દેશભરમાં આશરે ૨૦ હજાર હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પ્રદેશના તમામ આરોગ્ય કેન્દ્રોમાં નોંધણી અને રિન્યુઅલની પ્રક્રિયા ચાલુ રહેશે.
