Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાપોઢામાં તાલુકા કક્ષાનો સર્વરોગ આયુષ કેમ્પ યોજાયો

નાનાપોઢામાં તાલુકા કક્ષાનો સર્વરોગ આયુષ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લા પંચાયત તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા વલસાડ દ્વારા નાનાપોઢા તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ ચીવલ મરીમાતા હોલમાં યોજાયો હતો. કાર્યક્રમ કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી વિવિધ રોગોની તપાસ કરી દર્દીઓને મફત સારવાર તેમજ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોઍ હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો.

ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીઍ જણાવ્યું હતું કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ જેવી પ્રાચીન અને કુદરતી સારવાર પદ્ધતિઓ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમણે ઉમેર્યું કે આ ઉપચારમાં ધીરજ જરૂરી છે, પરંતુ નિયમિત સારવારથી રોગ મૂળમાંથી દૂર થાય છે અને કોઈ આડઅસર થતી નથી.

આયુષ વિભાગ દ્વારા અત્યાર સુધી સાત આયુષ મેળા સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે અને આગામી સમયમાં મેગા કેમ્પો દ્વારા વધુ લોકોને લાભ પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આયુર્વેદ જીવનશૈલી સુધારવા, શરીર-મનનું સંતુલન જાળવવા અને રોગ-તિકારક શક્તિ વધારવા પર ભાર મૂકે છે, જ્યારે હોમિયોપેથી સૂક્ષ્મ અને નિર્દોષ દવાઓ દ્વારા કાયમી આરોગ્ય તરફ દોરી જાય છે. યોગ પણ સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ માધ્યમ હોવાનું વક્તાઓઍ જણાવ્યું હતું.